Saturday, March 23, 2013

ગુજરાતી લેખક મંડળ દ્વારા આયોજિત ટૂંકી વાર્તા સ્પર્ધામાં સૌમ્યા જોષી વાર્તાને ત્રીજું ઇનામ મળ્યું છે. હરીફાઈમાં મોકલેલી વાર્તા ૧૦૦ શબ્દોની સીમાને કારણે ઘણીજ સંક્ષિપ્ત થઇ જતી હતી. અહી મેં લખેલી મૂળ વાર્તા આપ સૌ સાથે share કરું છું. 

વિસ્મૃતિ: (સૌમ્યા જોષી)

સ્કૂટીને સ્ટેન્ડ પર ચડાવીને હેન્ડલ લોક બે વાર ચેક કરીને સ્વાતિએ બીજા માળે આવેલી ઓફિસે પહોંચવા માટે પગથિયાં ચઢવા માંડ્યા.
“......છોકરાઓના હોમવર્ક, લંચબોક્સ, સતીષની ઈન્કમ ટેક્સના રિટર્નની ફાઈલ, બા ની દવાઓ અને દૂધ, ધોબીને આપવાના કપડાનું પોટલું, કામવાળી બાઈને આપવા માટે જૂનો ડ્રેસ, સાંજે દહીંવડાં બનાવવા માટે પલાળેલી દાળ અને મેળવેલું દહીં, ઓફિસમાં મેનેજરની દીકરીને બોર્ડની પરીક્ષાની શુભેચ્છા માટે ખરીદેલી કિમતી પેન, ઓફિસ છૂટ્યા બાદ સ્કૂટીને સર્વિસમાં મૂકવાનું.....”
“કંઈક ભૂલાય છે. પણ યાદ નથી આવતું.” મનોમન બોલતા સ્વાતિ ક્યારે ઓફિસમાં દાખલ થઈ ગઈ એ પણ એને યાદ ન રહ્યું. કમ્પ્યુટર પર સફાઈથી એની આંગળીઓ ફરતી રહી. પ્રિન્ટર પરથી છપાઈને બિલ બહાર આવતા રહ્યાં. લંચબ્રેકમાં રોટલીનું બટકું તોડીને શાકમાં બોળીને મોંમાં મૂકતા પણ એને યાદ આવ્યું કે એ કશુંક ભૂલી રહી છે આજે. આમ તો રોજિંદા જીવનની હાડમારીમાં એ ઘણી બધી બાબતો ભૂલી જતી, પણ આજે તો એવું કશું જ યાદ ન'તું આવતું કે જે ભૂલી જવાયું હોય. છતાં સવારથી જ એવી લાગણી થયા કરતી હતી કે કશુંક ભૂલી જવાયું છે.
ઓફિસ છૂટ્યા બાદ સ્કૂટીને ગેરેજ પર સર્વિસમાં મૂકીને સ્વાતિ સીટીબસમાં ચડી. બારી પાસેની સીટ પર ગોઠવાઈ ત્યાં જ મોબાઈલ રણક્યો. “મારે સાંજે બહાર જવાનું છે, મોડું થશે. જમવામાં રાહ ન જોતા.” સતીષનો 'ફ્લેટ' અવાજ જાણે ક્યાંક દૂર દૂરથી આવતો હતો. “ઓકે, બાય” કહીને ક્યારે ફોન પૂરો કરી નાખ્યો એની પણ ખબર ન રહી.
સર્કલ પર આંચકા સાથે બસ ઊભી રહી. સાંજનું આછું અંધારું ઊતરવા માંડેલું. સર્કલ પર ફૂવારાની ફરતે લાલ-લીલી-ભૂરી લાઈટોના ઝબકારા જોઈ રહેલી સ્વાતિને ફરી યાદ આવ્યું કે કંઈક ભૂલી રહી છે એ. બસમાંથી ઉતરીને ઘર તરફ ચાલવા માંડેલા એના પગ ન જાણે ક્યા વિચારમાં થંભી જતા હતા. સોસાયટીને નાકે આવેલા પ્રોવિઝન સ્ટોરમાંથી એણે સાજીના ફૂલનું પડીકું લીધુ.
ઝટપટ દાળ પીસીને એણે વડાં ઊતરવા માંડ્યા. છોકરાઓ જમતા જમતા કંઈક ધમાલ-મસ્તી કરતા રહ્યાં. વડીલો જમ્યા બાદ ટીવી જોવા ગોઠવાઈ ગયા. આગલા દિવસ માટે થોડી તૈયારી કરીને સ્વાતિ બેડરૂમમાં આવી.
બે અઠવાડિયા જૂનું ચોપાનિયું હાથમાં લઈને એ પથારીમાં આડી પડી. એક પાનું વાંચ્યું ન વાંચ્યું ને એની આંખો દુખવા લાગી. “વાંચવામાં તકલીફ થાય છે. નંબર ચેક કરાવવા જવું પડશે.” સ્વગત બોલતા એણે ઊભા થઈને છોકરાઓના બેડરૂમમાં ડોકિયું કર્યું. મોટો દીકરો કશુંક લખતાં લખતાં જ રાઈટીંગ ટેબલ પર માથું ઢાળીને સૂઈ ગયેલો. નાનકડી દીકરી ઢીંગલીને લઈને સૂઈ રહેલી. દીકરાને બેડ પર સૂવાડીને લાઈટ્સ ઓફ કરી. ફરી કિચનમાં જઈને ગેસની લાઈનનો વાલ્વ બરાબર બંધ છે કે કેમ એ ચેક કર્યું.. ફરી બેડરૂમમાં જઈને બેડ પર આડી પડી. છત પર ફરતા પંખાની આછી ઘરઘરાટી વચ્ચે એને ફરી એક વાર 'કશુંક ભૂલી ગયાની' યાદ આવી ગઈ. “કંઈ યાદ નથી આવતું.” કહીને આંખો મીંચીને એ સૂઈ ગઈ. પોતે પોતાને જ ભૂલી ગઈ છે એ હકીકતથી બેખબર.

No comments:

Post a Comment